જુના જમાનાની વાત છે... બધી વાર્તામાં હોય તેમ એક રાજા હતો... અને એ રાજા પણ એવરેજ રાજાઓની જેમ કાચા કાનનો જ હતો. તેની મોટામાં મોટી ખામી એ હતી કે એ હંમેશા બીજાની વાત પર તરત જ ભરોસો મૂકી દેતો હતો, પછી ભલે એ વાત સારી હોય કે નુકશાનકારક હોય... રાજાને કરવું એટલે કરવું. એક વખત બન્યું એવું કે રાજાના અમુક મળતિયાઓએ રાજા પાસે એક ભરવાડની ખુબ પ્રશંશા કરી અને રાજાને એ ભરવાડને મળવાનું મન થયું. રાજાએ તરત જ સૈનિકોને મોકલ્યા અને એ ભરવાડને દરબારમાં આવવાનું કહેણ મોકલ્યું. ભરવાડ તો બીકનો માર્યો થરથરતો દરબારમાં હાજર થયો. રાજાએ ઉભા થઈને એ ભરવાડનું અભિવાદન કર્યું અને ભરવાડને પોતાના સિંહાસનની બાજુના આસન પર બેસવાનો આદેશ આપ્યો. ભરવાડ તો બિચારો આભો જ બની ગયો કે આ શું? રાજા મને કેમ આટલું બધું માન આપે છે? ભરવાડના મનમાં અનેક વિચારો આવવા માંડ્યા... હજુ ભરવાડ વધારે કંઈ વિચારી શકે તે પહેલાં જ રાજાએ અચાનક જાહેર કર્યું કે હું આ ભરવાડને આપણા રાજ્યનો ખજાનચી ઘોષિત કરું છું. ભરવાડ તો ભયંકર આશ્ચર્યમાં પડી ગયો પણ પછી તરત જ પરિસ્થિતિ પામીને મનમાં કંઇક વિચાર કરીને રાજાના આ નિર્ણયને સ્વીકારી લીધો અને રાજાની આજ્ઞા લીધી. એ એ ભરવાડને અને તેના પરિવારને રાજાએ પોતાના રાજમહેલમાં જ રહેવાની વ્યવસ્થા કરી આપી. બીજા દિવસે ભરવાડ વડીલોની આજ્ઞા લઈને અને પોતાના પરિવારને મુકીને એકલો જ રાજમહેલમાં પોતાના નિવાસસ્થાનમાં રહેવા આવી ગયો.
રાજ્યના ખજાનચી તરીકે એ ભરવાડ ખુબ નિષ્ઠાથી કર્યા કરવા લાગ્યો અને પોતે રાજ્યની અર્થ-વ્યવસ્થા બાબતે નિષ્ણાત સાબિત થયો અને રાજ્યની આવકમાં ખુબજ વધારો થયો. રાજા પણ એ ભરવાડના કાર્યથી અતિશય ખુશ હતો. પણ રાજાનો સ્વભાવ ભરવાડ બખૂબી જાણતો હતો આથી એ કોઈપણ પરિસ્થિતિ માટે સજ્જ હતો. બધું ખુબ સરસ ચાલતું હતું. પણ થોડા સમય પછી ભરવાડનું ખુબ સારું કાર્ય જોઈને રાજ્યના અન્ય કારભારીઓ તેની ખુબ ઈર્ષા કરવા માંડ્યા હતા.
હવે ભરવાડ જે નિવાસસ્થાનમાં રહેતો હતો તેમાં એક સાવ નાનકડી બંધ ઓરડી હતી અને એ ઓરડીને ભરવાડ હંમેશા તાળું મારીને રાખતો હતો . પણ રોજ સવારે દરબારમાં આવતા પહેલાં ભરવાડ એ ઓરડીનું તાળું ખોલી તેની અંદર જઈને અંદરથી ઓરડી બંધ કરી થોડીવાર એ ઓરડીમાં કંઇક કરે અને થોડીવારમાં બહાર આવીને પાછો એ ઓરડીને તાળું વાસી દે.
ભરવાડની આ રોજની પ્રક્રિયા બધાને કંઇક શંકાસ્પદ લાગવા માંડી હતી અને એ વાત અન્ય ઈર્ષાળુ કારભારીઓ અને મંત્રીઓના ધ્યાનમાં આવી ગઈ. બધાએ ભેગા થઈને રાજાના કાન ભંભેર્યા કે આ ભરવાડ તો ચોર છે અને રાજ્યના ખજાનામાંથી ધન ચોરી કરીને રોજ આ ઓરડીમાં ધન ભેગું કરે છે. રાજાએ પણ એ ભરવાડ પર નજર રાખી અને વાતની ખાતરી કરી અને વિચાર્યું કે નક્કી આ ભરવાડે રાજ્યના ખજાનામાંથી ખુબ ધન એકઠું કરી લીધું હશે. રાજાએ મનોમન નક્કી કરી લીધું કે આ ભરવાડને ખજાનચી પદેથી હટાવી અને જેલમાં નાખી દેવો.
બીજા દિવસે સવારે દરબાર ભરાયો અને જયારે ભરવાડ દરબારમાં હાજર થયો કે તરત જ રાજાએ સૈનિકોને ફરમાન કર્યું કે આ ભરવાડને પકડી લો અને જેલમાં પૂરી દો. સૈનિકોએ તરતજ ભરવાડના હાથ-પગમાં બેડીઓ પહેરાવી દીધી. રાજાએ ભરવાડને કહ્યું કે તારા નિવાસસ્થાન પરની ઓરડીમાં તે જે ધન એકઠું કર્યું છે તે હાજર કર. ભરવાડે પરિસ્થિતિ પામી લીધી અને મુસ્કુરવા લાગ્યો... રાજાને થયું કે આ ભરવાડ કેમ હસે છે એટલે રાજાએ ભરવાડને હસવાનું કારણ પૂછ્યું. ભરવાડ કહે કે એ ઓરડીમાં ખુબ મોટો ખજાનો છે અને એ ખજાનો જો તમારે જોવો હોય તો તમે જાતે જ ચાલો.
એ ભરવાડ, રાજા, અન્ય કારભારીઓ, મંત્રીઓ, સૈનિકો... બધાનો રસાલો ભરવાડના નિવાસસ્થાને પહોચ્યો અને ભરવાડે બધાની હાજરીમાં પેલી અંધારી ઓરડી ખોલી... ઓરડીમાંના ખજાનાને જોઈને રાજા ખુબ આશ્ચર્યમાં પડી ગયો. રાજાએ જોયું તો એ ઓરડીમાં એક મોટો અરીસો હતો, અને બાજુમાં ખીંટી પર ભરવાડનો મેલો-ઘેલો પહેરવેશ અને માથે બાંધવાનું ફાળિયું ટીંગાડેલા હતા અને નીચે ભરવાડની જૂનીપુરાણી મોજડી પડી હતી. આ જોઈને રાજા અને તેના મંત્રીઓ તેમજ કારભારીઓ અને સિપાહીઓ મૂંઝાઈ ગયા. રાજાએ આશ્ચર્ય સાથે ભરવાડને પૂછ્યું કે “આ શું છે?”
ભરવાડે રાજાને જવાબ આપ્યો કે...
“આ હું છું...”
“મહારાજ... તમે ભલે બીજાના કહેવાથી મને રાજ્યનો ખજાનચી બનાવી દીધો પણ હું મારી મૂળ જાતને ભૂલવા નહોતો માંગતો”
“મને ખબર હતી કે એક દિવસ તો એવો આવશે ખરો જયારે હું ખજાનચી નહિ હોઉં અને ત્યારે જો હું મારી મૂળ જાતને ભૂલી ગયો હોઈશ તો હું સાવ નકામો થઇ જઈશ.”
“આ ઓરડીમાં આવીને રોજ હું મારા મૂળ સ્વરૂપને જોતો હતો અને પછી જ ખજાનચી બનતો હતો.”
“મને ખજાનચી તરીકેનું અભિમાન ન આવે એટલા માટે હું રોજ સવારે મારો આ મૂળ પહેરવેશ પહેરીને મારા પોતાના ભરવાડ તરીકે દર્શન કરતો હતો... આ અરીસો... આ મારા પોતાના કપડા, મારી મોજડી... મને મારા મૂળ સ્વરૂપના દર્શન કરાવતા હતા.”
“બસ મહારાજ... મારું ખજાનચી તરીકેનું કાર્ય અહી પૂરું થાય છે...”
આટલું કહી ભરવાડે રાજ્યના ખજાનાની ચાવીઓ રાજાના હાથમાં સોપી દીધી... રાજાની આંખમાં આંસુ આવી ગયા અને રાજાએ સૈનિકોને ભરવાડની બેડીઓ ખોલી નાખવાની સુચના આપી.
બેડીઓથી મુક્ત થઈને ભરવાડ પેલી ઓરડીમાં ગયો અને પોતાના જુના કપડા પહેરીને બહાર આવ્યો.
બહાર આવીને ભરવાડે રાજાને પ્રણામ કર્યા અને કહ્યું...
“હવે હું મારા ઘરે જાઉં છું...”
આટલું કહી ભરવાડ ચાલતો થયો...
(વાર્તાનો સાર કહેવાની જરૂર નથી... બધા સમજી ગયા હશે...)
No comments:
Post a Comment