Sunday, October 3, 2010

સરમુખત્યાર હિટલરની પ્રેમકથાઓ

જો ક્યાંય હિટલરની વાત નીકળે તો તરત જ નજર સમક્ષ માનવતાના દુશ્મનસમા એક નિર્દયી અને ઘાતકી સરમુખત્યારનો ચહેરો આપણી નજર સમક્ષ તરી આવે છે. હિટલર એક એવો વ્યક્તિ, જેના ભારે અવાજથી ભલભલો મજબૂત હૃદયનો માનવી પણ ડરી જાય છે, શરીર ધ્રુજવા લાગે છે. પરંતુ લોકો એ નથી જાણતા કે પોતાના અસંખ્ય વિરોધીઓનો અવાજ રૂંધી નાખનાર વ્યક્તિ મહિલાઓની બાબતમાં નરમ વલણ ધરાવતો હતો. અનેક યુવતીઓ હિટલરની પાછળ ઘેલી નથી.

હિટલર તેના રંગીન અને મોજીલા સ્વભાવને લીધે ફિલ્મ જગતની તે વખતની ઘણી જાણીતી અભિનેત્રીઓ સાથે પ્રેમની બધી જ સીમાઓ પાર કરી ચૂક્યો હતો. જો કે ત્રણ યુવતી સાથેના તેના પ્રેમ પ્રસંગો અન્ય યુવતીઓ સાથેના પ્રેમ પ્રસંગો કરતા જુદા જ તરી આવે છે. આ ત્રણ યુવતીઓ હતી ઈવા બ્રોન, ગેલી રોબલ અને રેનાટ મુલર. તેને એક સંયોગ જ કહો કે આ ત્રણેય યુવતીઓએ આત્મહત્યા કરી હતી. એટલું જ નહીં તેમના પ્રેમી એટલે કે હિટલરે પણ આત્મહત્યા કરીને જીવનનો અંત આણ્યો હતો.

ત્રણેય યુવતીઓમાંથી હિટલરના ઈવા બ્રોન સાથેના પ્રેમ સંબંધો સૌથી લાંબો સમય ચાલ્યા હતાં. એક લાંબી પ્રતીક્ષા પછી હિટલર અને ઈવા બ્રોન લગ્નના તાંતણે બંધાયા હતાં. પરંતુ લગ્નના ગણતરીના કલાકોમાં જ ઈવા બ્રોને સાઈનાઈડ ખાઈને આત્મહત્યા કરી લીધી. નાઝી પાર્ટીએ હંમેશા હિટલરના પ્રેમ સંબંધોને ગુપ્ત રાખવાનો પ્રયત્ન કર્યો. બીજી તરફ હિટલર પોતે પણ તેના ભાષણોમાં તે જર્મન લોકો સાથે પ્રણય સુત્રમાં બંધાયેલો હોઈ અપરણીત હોવાનું કહેતો.

ઈવા બ્રોન સિવાય રીનાટ મુલર સાથેના હિટલરના પ્રેમ સંબંધો પણ ચર્ચાસ્પદ બન્યા હતા. રીનાટ દાશિનના સમુદ્ર કિનારે એક ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી તે વખતે બંને વચ્ચે પરિચય થયો, આગળ જતા આ પરિચય પ્રેમમાં પરિણમ્યો. પરંતુ હિટલરના વ્યવહારે બંનેના સંબંધો તણાવપૂર્ણ બનાવી નાંખ્યા અંતે તણાવને લીધે મુલાટ મોર્ફિનની કુલતમાં સપડાઈ અને તેને સેનેટોરિયમ મોકલી દેવાઈ. 1 ઑક્ટોબર 1937ના રોજ સેનેટોરિયમની બહાર તેણે કારમાંથી ચાર અધિકારીઓને ઉતરતા જોયા અને ડરીને તેણે બારીમાંથી કૂદીને જીવન ટૂંકાવ્યું.

હિટલરના ગેલી રોબલ સાથેના પ્રેમ સંબંધો પણ ખાસ્સા ચર્ચાને ચગડોળે ચઢ્યા. ગેલી તેની ભાણી હતી. 40 વર્ષની ઉંમરે હિટલર તેની ભાણી ગેલી પ્રત્યે આકર્ષાયો. હિટલરને કોઈ ગેલી તરફ આંખ ઉઠાવીને પણ જોતું તે પસંદ ન હતું. બંને એકબીજાના પ્રેમમાં પાગલ થયા. પરંતુ આગળ જતા બંને એકબીજા પર વિશ્વાસઘાતનો આક્ષેપ કરતા રહ્યા. 16-17 વર્ષની અણસમજુ કિશોરી ગેલી હિટલર માટે ગળાના ફાંસા જેવી બની ચૂકી હતી. હિટલર અને ગેલી અવારનવાર પિની મર્સીડિઝ કારમાં ફરવા જતા. હિટલર હેમ્બર્ગ જઈ રહ્યો હતો તે વખતે તેની ગેલી સાથે બોલાચાલી થઈ. ગેલી તેને રોકવા માંગતી હતી. હિટલરે કારમાં બેસતી વખતે મોટા અવાજે કહ્યું, હું તને છેલ્લી વખત ના પાડી રહ્યો છે. તેના જતાની સાથે જ ગેલીએ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી.

ઈવા બ્રોન હિટલરના અંગત ફોટોગ્રાફર હેનરીખ હોફમેનની અંગત મદદનીશ હતી. 1932માં તેની અને હિટલરની મુલાકાત થઈ હતી. આખરે ઈવાએ હિટલરથી આકર્ષાઈને તેની સાથે રહેવાનો નિર્ણય લીધો. ગેબી રોબલના મૃત્યુ પછી હિટલર અને ઈવા એકબીજાની નજીક આવ્યા. જો કે ઈવા સાથેના સંબંધો દરમિયાન હિટલરના બીજી અનેક યુવતીઓ સાથે સંબંધ બંધાયા. હિટલર ફિલ્મ અભિનેત્રીઓ પાછળ ઘેલો હતો. તેના લીધે ઈવાએ એક વખત આત્મહત્યા કરીને તેની જીવનલીલા સંકેલવાનો પ્રયત્ન કર્યો. પરંતુ ડૉક્ટરોએ તેને મૃત્યુના મુખમાંથી ઉગારી લીધી. આ ઘટનાને લીધે ઈવા અને હિટલર વચ્ચેનો તણાવ ઓછો થયો. હિટલરે ઈવા બ્રાનને ખુશ રાખવા બીજી યુવતીઓને મળવાનું પણ ઓછું કરી નાંખ્યું.

હિટલરનો ઈવા સાથેનો વ્યવહાર આશ્વર્યજનક હતો. હિટલરના અશોભનીય વર્તનના લીધે તેની આસપાસના લોકો અજુગતો અનુભવ કરતા. હિટલરે ક્યારેય બાળકોની ખેવના ન રાખી. તેણે અનેક લોકોને કહ્યું કે જો તેને બાળકો હશે તો ચોક્કસપણે તેઓ પ્રતિભાશાળી નહીં હોય અને તેમના ગુણો પણ પિતા જેવા નહીં હોય. જો એવું કંઈ બન્યું તો તેનું જીવન નિરાશાજનક બની જશે. છતાંય ઈવાનો હિટલર પ્રત્યેનો પ્રેમ કે વિશ્વાસ લેશમાત્ર ઓછો ન થયો. 1944ના કાવતરાંમાં બચી ગયા પછી ઈવાએ હિટલરને એક લાગણીસભર પત્ર લખ્યો હતો. તેની કેટલીક પંક્તિઓ આ પ્રમાણે છે, "અમારી પહેલી મુલાકાત પછી જ મેં જીવનના છેલ્લા શ્વાસ સુધી હું હિટલર સાથે જ રહીશ એવું નક્કી કરી લીધું હતું. હું માત્ર હિટલરના પ્રેમ માટે જ જીવું છું."

એક લાંબા અરસા સુધી હિટલરની પ્રતીક્ષા કરનાર ઈવા આખરે 29 એપ્રિલ 1945ના રોજ હિટલર સાથે લગ્નગ્રંથિથી જોડાઈ. સ્થાનીય મેજીસ્ટ્રેટે બંનેના લગ્ન કરાવ્યા. એ વાત જુદી છે કે તેમના લગ્નસંબંધો માત્ર ગણતરીના કલાકો સુધી જ ટકી શક્યા. તે વખતે સોવિયેટ સૈનિકો હિટલરના ભૂગર્ભ બંકરથી થોડે જ છેટે રહ્યા હતા. આખરે હિટલર અને ઈવાએ આત્મહત્યા કરવાનો નિર્ણય લીધો. તેણે સાઈનાઈડની ગોળી ખાઈને મોતને ગળે વળગાળ્યું. હિટલરે પણ ઈવાના પગલે પગલે પહેલા સાઈનાઈડની ગોળી ખાધી. ત્યારબાદ તેણે 7.65 એમ.એમ.ની પિસ્ટલથી માથામાં ગોળી મારી. આ રીતે ઈવા બ્રોન અને એડોલ્ફ હિટલરની પ્રેમ ગાથાનો અંત આવ્યો.

No comments:

Post a Comment

Followers