Tuesday, February 23, 2010

એક જ દે ચિનગારી...

એક જ દે ચિનગારી, મહાનલ !
એક જ દે ચિનગારી.

ચકમક લોઢું ઘસતાં ઘસતાં ખરચી જિંદગી સારી
જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી
મહાનલ… એક દે ચિનગારી…

ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભઅટારી
ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી
મહાનલ… એક દે ચિનગારી…

ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી
વિશ્વાનલ ! હું અધિક ન માગું, માગું એક ચિનગારી
મહાનલ… એક દે ચિનગારી…


Tuesday, February 16, 2010

કર્મનો સંગાથી...

હે … કર્મનો સંગાથી રાણા મારૂ કોઇ નથી…
હે…. કર્મનો સંગાથી પ્રભુ વિણ કોઇ નથી…
કે લખ્યા એના જુદા જુદા લેખ (2)… કર્મનો સંગાથી…

એક રે ગાયના દો દો વાછરુ,
લખ્યા એના જુદા જુદા લેખ
એક રે બન્યો શિવજીનો પોઠીયો,
બીજો કાંઇ ઘાંચીડાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો દીકરા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને માથે રે છત્તર ઝૂલતા,
બીજો કાંઇ ભારા વેચી ખાય… કર્મનો સંગાથી.

એક રે માટીના દો દો મોરિયા,
લખ્યા એના જુદા જુદા લેખ
એક ને મોરિયો શિવજીની ગળતી,
બીજો કાંઇ મસાણે મૂકાય….. કર્મનો સંગાથી

એક રે પથ્થરના દો દો ટુકડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક ની બની રે પ્રભુજીની મૂરતી,
બીજો કાંઇ ધોબીડાને ઘાટ… કર્મનો સંગાથી.

એક રે વેલાના દો દો તુંબડા,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે તુંબડુ સાધુજીના હાથમાં,
બીજુ કાંઇ રાવળીયાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે વાંસની દો દો વાંસળી,
કે લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે વાંસળી કાનજી કુંવરની,
બીજી વાગે વાદીડાને ઘેર… કર્મનો સંગાથી.

એક રે માતાના દો દો બેટડા,
લખ્યા એના જુદા જુદા લેખ,
એક રે બેટો ચોરાશી ધૂણી તપે,
બીજો લખચોરાશી માંહ્ય… કર્મનો સંગાથી

રોહીદાસ ચરણે મીરાબાઇ બોલીયા,
કે દેજો અમને સંતચરણે વાસ… કર્મનો સંગાથી.


Monday, February 15, 2010

રૂપલે મઢી છે

રૂપલે મઢી છે સારી રાત રે સજન,
એનુ ઢુંકડૂં ન હોજો પ્રભાત
સૂરજ ને કોઇ ઓલી મેર રોકી રાખો,
હજી આદરી અધૂરી મારી વાત.. રૂપલે મઢી છે

વેળા આવી તો જરા વેણ નાખું વાલમા,
એક જરા મોંઘેરું કહેણ નાખું વાલમા,
ફેણ રે ચઢાવી ડોલે અંધારા દૂર દૂર..દૂર દૂર..
એને મોરલીની શું રે કરું વાત રે.. રૂપલે મઢી છે

દિલના દરિયાવનાં ઊંડાણ જરા જોઈ લઉં,
કેવા રે મહોબ્બતનાં તાણ જરા જોઈ લઉં,
મહારા કિનારા રહો દૂર નિત દૂર દૂર..દૂર દૂર..
રહો મઝધારે મ્હારી મુલાકાત રે.. રૂપલે મઢી છે


રામ રાખે તેમ રહીએ...

રામ રાખે તેમ રહીએ, ઓધવજી… રામ રાખે તેમ રહીએ..
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન પહેરણ હિર ને ચીર તો કોઇ દિન સાદા ફરીએ,
કોઇ દિન ભોજન શિરો ને પૂરી તો કોઇ દિન ભુખ્યાં રહીએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

કોઇ દિન રહેવાને બાગ-બગીચા તો કોઇ દિન જંગલ રહીએ,
કોઇ દિન સુવાને ગાદી ને તકીયા તો કોઇ દિન ભોંય પર સુઇએ,
ઓધવજી, રામ રાખે તેમ રહીએ…

બાઇ મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ સુખ-દુ:ખ સર્વે સહીએ
હે આપણે ચીઠ્ઠીના ચાકર છૈએ… ઓધવજી, રામ રાખે તેમ રહીએ…


દીકરીતો પારકી થાપણ કહેવાય

બેના રે..
સાસરીયે જાતાં જોજો પાંપણના ભીંજાય
દીકરીતો પારકી થાપણ કહેવાય
દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરીતો પારકી થાપણ કહેવાય

બેની તારી માથે બાપનો હાથ હવે નહી ફરશે
રમતી તું જે ઘરમાં એની ભીંતે-ભીંતો રડશે
બેના રે.. વિદાયની આ વસમીવેળા રોકે ના રોકાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

તારા પતિનો પડછાયો થઈ, રહેજે સદાયે સાથે
સોહાગી કંકુ સેંથામાં, કંકણ શોભે હાથે
બેના રે.. તારી આ વેણીનાં ફૂલો કોઈ દિ ના કરમાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

આમ જુઓ તો આંસુ સૌનું પાણી જેવું પાણી
સુખનું છે કે દુ:ખનું એતો કોઈ શક્યું ના જાણી
બેના રે.. રામ કરે સુખ તારું કોઈ દિ નજર્યું ના નજરાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

દીકરી ને ગાય, દોરે ત્યાં જાય
દીકરી તો પારકી થાપણ કહેવાય

Friday, February 12, 2010

પીયરને પીપળેથી આવ્યું પારેવડું...

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

મૈયરનું ખોરડું ને મૈયરની ગાવડી,
મૈયરની સામે એક નાની તલાવડી,
એવા મારા મૈયરનું આ રે પારેવડું,
એને આવે ના ઉની આંચ રે..
પારેવડાંને કોઇ ના ઉડાડશો..

એ રે પારેવડાંમાં જનક ને જનેતા,
એ રે પારેવડે મારો ભાઇ..
એ રે પારેવડાંમાં નાનકડી બેનડી,
એ રે પારેવડે ભોજાઇ..
પારેવડાંના વેશમાં આજ મારે આંગણે,
મૈયર આવ્યું સાચો-સાચ રે..
પારેવડાં ને કોઇએ ના ઉડાડશો..

એ રે પારેવડે મારા મૈયરનો મોરલો,
એ રે પારેવડે મારા દાદાજીનો ઓટલો,
એ રે પારેવડું મને જોતું રે વ્હાલથી,
એને કરવા દ્યો થનગન થન નાચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..

પીયરને પીપળેથી આવ્યું પારેવડું,
પારેવડાં ને સોના કેરી ચાંચ રે..
પારેવડાં ને કોઇ ના ઉડાડશો..


Saturday, February 6, 2010

ઊંચી મેડી તે મારા સંતની રે.....

ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે, મેં તો મા’લી ન જાણી રામ..

અમને તે તેડાં શીદ મોક્લ્યાં, કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની મારી ચુંદડી, મેં તો મા’લી ન જાણી રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

અડધાં પેહર્યાં અડધાં પાથર્યાં, અડધાં ઉપર ઓઢાડ્યાં રામ
ચારે છેડે ચારે જણાં, તોયે ડગમગ થાયે રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….

નથી તરાપો, નથી ડુંગરા, નથી ઉતર્યાનો આરો રામ
નરસિંહ મેહતાના સ્વામી શામળા, પ્રભુ પાર ઉતારો રામ.. હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે….


Thursday, February 4, 2010

પવન અને પ્રેમ

પવન અને પ્રેમમાં સામ્ય છે
બન્નેમાં ‘પ’ સમાયેલો છે…

પવનને હોતી નથી દિશા
ને પ્રેમને દશા…
પવન વધે તો વાવાઝોડું
ને પ્રેમ વધે તો ગાંડપણ…

પવન ગાંડો તો માણસ ફંગોળાય
ને પ્રેમ ગાંડો તો માણસ વગોવાય…
પવન મીઠો ઊનાળાના તાપમાં,
ને પ્રેમ મીઠો યુવાનીના નશામાં….

પવન મકાનના છાપરા ઉડાડે,
ને પ્રેમ ઘરની દીવાલો તોડે…

પવનના પ્રાણવાયુથી જિંદગીઓ જીવાય,
ને પ્રેમની તાકાતથી જિંદગીઓ જીતાય.

ખરેખર, પવન અને પ્રેમમાં ઘણું સામ્ય છે !


તમે અને હું

તમે શણગાર છો કુદરતના
….. હું તપતી એક ધરા છું.

તમે વસંતના છો વૈભવ
….. હું પાનખરની ઘટા છું.

તમે પુષ્પ કોઈ ઉપવનના,
….. હું કંટકમાં પણ શૂળ છું.

મેં કહ્યું હતું તમને વાટ જોવાં
…. તોય હું મોડો પડેલ સમય છું.

તમે આવીને ટકોરા દીધા મુજ બારણે
… તોય હું જીર્ણ થયેલ દર્પણ છું.

ચાહો તો નિખારો ને ચાહો તો પથ્થર દો મારી,
…. હું તમારા જ મનની આશા છું.

તમે મુજ હૃદયના સ્પંદન
…. અને બસ હું એનો પડછાયો છું.

નીકળો છો ક્યારે તમે અહીંથી,
….. બસ હું વાટ જોતી ઊભી છું.

રાહ જોઈ થાકી હવે મારી આંખો,
….. હું શ્વાસ રોકેલી માણસ છું.

ફરી તમારી યાદ આવી....

દિવસ ઢળ્યો, સંધ્યા સમી અને રાત આવી,
ઊંચે આભમાં ચંદ્રને જોયો ને તમારી યાદ આવી.

ગગનનો પૂર્વ પ્રદેશ ઝળક્યો અને ધુમ્મસ ભરી સવાર આવી
રંગબેરંગી પુષ્પોને જોયાં ને તમારી યાદ આવી.

વસંતના એ શીતળ સમીરમાં હૂંફ સાંપડનારી બપોર આવી
કોયલનો મધુર ટહુકો સંભળાયો ને તમારી યાદ આવી

સુરજના એ સોનેરી કિરણોને સમેટી લેનાર સલુણી સાંજ આવી
તમારા હોવાનો અહેસાસ થયો ને તમારી યાદ આવી

અમે તો દિવસમાં ઘણી વખત યાદ કર્યાં તમને
બસ એટલું જ પૂછું છું તમને કદી અમારી યાદ આવી ?

ફરી દિવસ ઢળ્યો, સંધ્યા સમી અને રાત આવી,
ઊંચે આભમાં ચંદ્રને જોયો ને ફરી તમારી યાદ આવી.

જીવનનો આનંદ

ત્રણ શિકારીઓ હતા. ત્રણે જુદી જુદી દિશામાં શિકારે નીકળ્યા. ધનુષ્ય-બાણ સાથે આખો દિવસ જંગલમાં રખડ્યા. પહેલો શિકારી ઘણી બધી જગાએ ફર્યો. ઝાડીમાં પ્રાણીઓ શોધ્યાં. ઝાડ પર સંતાઈ દૂર દૂર સુધી નજર દોડાવી. નદી અને સરોવરોએ ગયો. કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું હોય તો તેનો શિકાર થઈ શકે. ત્યાં પણ કોઈ શિકાર ન મળ્યો. વનમાં પ્રાણીઓ જોયાં, પણ હાથ ન આવ્યાં. નિશાન લઈ તીર છોડ્યાં, પણ તીર નિશાન પર ન વાગ્યાં. આખો દિવસનો થાક્યો-પાક્યો, ધૂંધવાતો-ધૂંધવાતો, નસીબને ગાળો દેતો, ઈશ્વરની નિંદા કરતો એ રાતે ઘેર પહોંચ્યો. પાળેલું કૂતરું વહાલ કરવા ઝાંપે આવ્યું. તેને એક લાત લગાવી દીધી. છોકરાંઓને ઢીબ્યાં. ધણિયાણી પર ધખ્યો. ખાધા-પીધા વગર ગુસ્સામાં ને ગુસ્સામાં સૂઈ ગયો.

બીજો શિકારી પણ સઘળે સ્થળે ફર્યો. પ્રાણીઓ જોવા મળ્યાં, પણ નિશાનમાં આવ્યાં નહીં. શોક કર્યા વગર તે આગળ વધ્યો. જળ-સ્થળ બધે પ્રયત્નો કર્યા; નિષ્ફળ નીવડ્યો. ‘ચાલો, જેવી હરિની ઈચ્છા’ મનોમન એમ કહી એ ઘેર ગયો. કોઈની સાથે કશું બોલ્યો નહીં. ફક્ત એટલું કહ્યું, ‘શિકારમાં આજે કંઈ મળ્યું નથી. ઘરમાં જે કંઈ પડ્યું હોય તેનાથી ચલાવી લો.’ આમ કહી તેણે લંબાવ્યું. રોજની જેમ મનોમન હરિ-રટણ કરવા લાગ્યો.

ત્રીજો શિકારી હસતો-રમતો નીકળી પડ્યો હતો. જંગલમાં પાંદડાઓ વચ્ચેથી આવતા પ્રકાશનાં કિરણોની સંતાકૂકડી એ માણી રહ્યો. શીતળ હવાનો આહલાદ લૂંટતો રહ્યો. કોઈ પ્રાણી ચબરાકીથી છટકી જતું તો એ ‘હો…હો..હો…’ કરી હસી પડતો. તેણે ફૂલો જોયાં, લીલાં ખેતર જોયાં, ખળખળ વહેતી નદીઓ જોઈ. આ બધું નિહાળ્યું ને માણ્યું, પણ એનું નસીબ પણ પહેલા બે શિકારી જેવું જ નીકળ્યું. આજે કોઈ શિકાર હાથ લાગ્યો નહીં. ‘માળું આજે ખરું થયું ! પણ ઘેર બૈરી-છોકરાં માટે ખાવાનું તો લઈ જવું પડશે ને ?’ તેણે ક્યાંકક્યાંકથી કાચાં-પાકાં ફળ તોડ્યાં. દૂધીના વેલાઓ પરથી દૂધીનાં તુંબડાં તોડ્યાં. ઘેર બધાંએ સાથે બેસી ફળ-શાકભાજી ખાધાં. ‘આજે ફળાહાર.’ શિકારીએ ઓડકાર ખાધો !
આપણે મોટા ભાગના લોકો પહેલા શિકારી જેવા છીએ. મળે તો રાજા-ઈશ્વર સારો, બધું સારું. ન મળે તો બધાં ખોટાં – ઈશ્વર, નસીબ, પાલતુ પ્રાણી, ધણિયાણી ને છોકરાં. બધાંને ખાવા માટે ગુસ્સો આપીએ છીએ. બીજો શિકારી નિર્લેપ રહેવાને ગુણ ગણે છે, પણ તે નરી નિષ્ક્રિયતા છે. ત્રીજો શિકારી જીવન અને જીવનના આનંદનો માણસ છે. વિશ્વની ચેતના સાથે ભળી જઈએ તો જીવનનો વિશ્વાનંદ મળે. ભૂખ, ખોરાક એ બધી જીવનની વાસ્તવિકતાઓ છે, પણ જીવન-આનંદ સામે એ સાવ મામૂલી છે.

Tuesday, February 2, 2010

કરી જુઓ

બોલ્યા————-મૌન દ્વારા

ઈશારા————–નયન દ્વારા

આપ્યું—————–હસ્ત દ્વારા

પામ્યા——————સંતોષ દ્વારા

સમજ્યા—————–અનુભવ દ્વારા

કમાયા——————–ઉદ્યમ દ્વારા

શિખ્યા————————ગુરૂ દ્વારા

સમજાવ્યું———————-વર્તન દ્વારા

ખોયું—————————બેદરકારી દ્વરા

શીખવાડ્યું——————–સમર્થન દ્વારા

ગુમાવ્યું———————-ગુમાન દ્વારા

મેળવ્યું———————પ્રયત્ન દ્વારા

ગ્રહણ કર્યું——————-વાંચન દ્વારા

Followers