Thursday, February 4, 2010

જીવનનો આનંદ

ત્રણ શિકારીઓ હતા. ત્રણે જુદી જુદી દિશામાં શિકારે નીકળ્યા. ધનુષ્ય-બાણ સાથે આખો દિવસ જંગલમાં રખડ્યા. પહેલો શિકારી ઘણી બધી જગાએ ફર્યો. ઝાડીમાં પ્રાણીઓ શોધ્યાં. ઝાડ પર સંતાઈ દૂર દૂર સુધી નજર દોડાવી. નદી અને સરોવરોએ ગયો. કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું હોય તો તેનો શિકાર થઈ શકે. ત્યાં પણ કોઈ શિકાર ન મળ્યો. વનમાં પ્રાણીઓ જોયાં, પણ હાથ ન આવ્યાં. નિશાન લઈ તીર છોડ્યાં, પણ તીર નિશાન પર ન વાગ્યાં. આખો દિવસનો થાક્યો-પાક્યો, ધૂંધવાતો-ધૂંધવાતો, નસીબને ગાળો દેતો, ઈશ્વરની નિંદા કરતો એ રાતે ઘેર પહોંચ્યો. પાળેલું કૂતરું વહાલ કરવા ઝાંપે આવ્યું. તેને એક લાત લગાવી દીધી. છોકરાંઓને ઢીબ્યાં. ધણિયાણી પર ધખ્યો. ખાધા-પીધા વગર ગુસ્સામાં ને ગુસ્સામાં સૂઈ ગયો.

બીજો શિકારી પણ સઘળે સ્થળે ફર્યો. પ્રાણીઓ જોવા મળ્યાં, પણ નિશાનમાં આવ્યાં નહીં. શોક કર્યા વગર તે આગળ વધ્યો. જળ-સ્થળ બધે પ્રયત્નો કર્યા; નિષ્ફળ નીવડ્યો. ‘ચાલો, જેવી હરિની ઈચ્છા’ મનોમન એમ કહી એ ઘેર ગયો. કોઈની સાથે કશું બોલ્યો નહીં. ફક્ત એટલું કહ્યું, ‘શિકારમાં આજે કંઈ મળ્યું નથી. ઘરમાં જે કંઈ પડ્યું હોય તેનાથી ચલાવી લો.’ આમ કહી તેણે લંબાવ્યું. રોજની જેમ મનોમન હરિ-રટણ કરવા લાગ્યો.

ત્રીજો શિકારી હસતો-રમતો નીકળી પડ્યો હતો. જંગલમાં પાંદડાઓ વચ્ચેથી આવતા પ્રકાશનાં કિરણોની સંતાકૂકડી એ માણી રહ્યો. શીતળ હવાનો આહલાદ લૂંટતો રહ્યો. કોઈ પ્રાણી ચબરાકીથી છટકી જતું તો એ ‘હો…હો..હો…’ કરી હસી પડતો. તેણે ફૂલો જોયાં, લીલાં ખેતર જોયાં, ખળખળ વહેતી નદીઓ જોઈ. આ બધું નિહાળ્યું ને માણ્યું, પણ એનું નસીબ પણ પહેલા બે શિકારી જેવું જ નીકળ્યું. આજે કોઈ શિકાર હાથ લાગ્યો નહીં. ‘માળું આજે ખરું થયું ! પણ ઘેર બૈરી-છોકરાં માટે ખાવાનું તો લઈ જવું પડશે ને ?’ તેણે ક્યાંકક્યાંકથી કાચાં-પાકાં ફળ તોડ્યાં. દૂધીના વેલાઓ પરથી દૂધીનાં તુંબડાં તોડ્યાં. ઘેર બધાંએ સાથે બેસી ફળ-શાકભાજી ખાધાં. ‘આજે ફળાહાર.’ શિકારીએ ઓડકાર ખાધો !
આપણે મોટા ભાગના લોકો પહેલા શિકારી જેવા છીએ. મળે તો રાજા-ઈશ્વર સારો, બધું સારું. ન મળે તો બધાં ખોટાં – ઈશ્વર, નસીબ, પાલતુ પ્રાણી, ધણિયાણી ને છોકરાં. બધાંને ખાવા માટે ગુસ્સો આપીએ છીએ. બીજો શિકારી નિર્લેપ રહેવાને ગુણ ગણે છે, પણ તે નરી નિષ્ક્રિયતા છે. ત્રીજો શિકારી જીવન અને જીવનના આનંદનો માણસ છે. વિશ્વની ચેતના સાથે ભળી જઈએ તો જીવનનો વિશ્વાનંદ મળે. ભૂખ, ખોરાક એ બધી જીવનની વાસ્તવિકતાઓ છે, પણ જીવન-આનંદ સામે એ સાવ મામૂલી છે.

No comments:

Post a Comment

Followers