અમે આજ તો ફરવા ચાલ્યાં....
સલામ સૌને !
કર ઝાલીને એક્મેકના ફરવા ચાલ્યાં....
સલામ સૌને !
કૈંક દિનોથી દોપગ-ચોપગને ન્યાળી ને
કૌતુક ન્યારું ધરતીખોળે સંચરવાનું
રોમ રોમમાં છલકાતું 'તું !
નીલગગનમાં તરતાં ભાળી પંખીગણને
પવનપાવડી પર બેસીને અધ્ધર ઊંચે
ચડવાનું મનમાં થાતું'તું !
આશિષ તાત તણી પામીને
ફેરફુદરડી ફરવા ચાલ્યાં....
સલામ સૌને !
ધમ્મકપીળી ધજા બનીને
હરખભેર જાતરને પંથે
ધારી પીઠી અંગઅંગમાં
ધરણીધરને અહો અનંતે
અમે આજ ભૈ વરવા ચાલ્યા,
ધન્ય આયખું કરવા ચાલ્યા....
સલામ સૌને !
કાયા ક્લાંત વિદીર્ણ વિસર્જિત
ધરતી થઈ ધરતી માં ભળશે
અને ફરીથી હર્યાભર્યાં કૈં
વૃક્ષ સ્વરૂપે કાલે ફળશે !
પાછાં શાખારૂઢ થઈને
મર્મરથી જગ ભરવા ચાલ્યાં....
સલામ સૌને !
No comments:
Post a Comment