હું જાણું : જન્મ્યા કે મરણસમું કૈં નક્કી ન બીજું
મનુષ્યે વ્હાલાના મરણ થકી ટેવાવું જ રહ્યું
બને તો મૃત્યુને શિવ-વર કહી ગાવું ય રહ્યું :
પરંતુ પૃથ્વીને મરણ હજી કોઠે નથી પડ્યું !
નવું ના, મૃત્યુ મેં વળી વળી દીઠું છે અહિ થકી
જતું ધોરી રસ્તે જીવનતણી ખાંધે ચઢી ચઢી
(અને જોવા જેવી બીજી ચીજ અહિ છે ય કંઇ તે?)
બધી વેળા થોડો વધુ વધુ રહ્યો ફિલસૂફ બની
પરંતુ મૃત્યુ રે સ્વજનનું, શિરચ્છત્ર સરખા
સદા જોયા વ્યાપ્યા નભનું, અમ ગેહે જ? વસમું
છયે કોઠે જીતી ફિલસૂફી અહિ સપ્તમ ગઢે
જતી હારી, હાવાં અવ સુદૂરથી પત્ર લખતાં
મને વીંધે શૈયા સ્મૃતિશરની - દેશો ન ઠપકો
નિરાંતે ઓ મારાં નયન, અહિ એકાંત ટપકો.
No comments:
Post a Comment