Tuesday, March 2, 2010

એક લોકકથા -

એક રાજાએ એક પંડિતને એવું એક ફરમાન કર્યું
આજ સુધી ના ખીલ્યાં એવાં જ્ઞાની ફૂલ ખિલાવી ધ્યો;
સ્મિત કરીને પંડિત બોલ્યા- ‘રાજન, મારું કામ નહીં’
એ માટે તો ક્યાંકથી કોઇ પ્રેમિકા બોલાવી લ્યો.

પાનખરો જે અજવાળે એ દીપિકાને લઇ આવો,
હર્ષિત થઇને રાજા બોલ્યો, ‘પ્રેમિકાને લઇ આવો.’
સૈનિક બોલ્યા : હે રાજેશ્વર, સોંપેલું આ કામ છે શું ?
પ્રેમિકાનું નામ છે શું ? ને પ્રેમિકાનું ઠામ છે શું ?

ચોર લૂંટારુ હોય તો રાજન પકડીને હાજર કરીએ.
શત્રુ હોય જો કિલ્લા સમ તો સામે જઇને સર કરીએ;
પણ આવી શોધનું હે અન્નદાતા અમને તો કંઇ જ્ઞાન નથી.
પ્રેમિકા શું ? પ્રેમી છે શું ? કંઇ એનું અમને ભાન નથી.

પંડિત બોલ્યા : પ્રેમિકા છે પ્રેમિકાનું એક જ નામ
બારે માસ વસંતો જેવું જ્યાં હો ત્યાં છે એનું ઠામ
સૈનિક ચાલ્યા શોધ મહીં ને શોધ કરીને લઇ આવ્યા
શહેરમાં જઇ એક ડોસીમાને હરીફરીને લઇ આવ્યા.

બોલ્યા માલિક સમજ પડે ના એવું કંઇ સમજાવે છે,
આ ડોસીને પ્રેમિકાના નામે સૌ બોલાવે છે.
લગ્નપ્રસંગે સૌથી પહેલાં એનું ઘર શણગારે છે,
એની આશિષ સૌથી પહેલાં મંડપમાં સ્વીકારે છે.

રાજા શું કે શું પંડિતજી સૂણીને સૌના મન ઝૂમ્યાં
વારાફરતી જઇને સૌએ ડોસીમાના પગ ચૂમ્યા.
આંખ ઉઠાવી ડોસીમાએ રાજા ઉપર સ્થિર કરી,
બોલ્યા : બેટા, જીવી ગઇ છું આખું જીવન ધીર ધરી.

પરદેશી જો પાછો આવત- મારે પણ એક હીરો હોત,
મારે ખોળે પણ રમનારો તારા જેવો વીરો હોત.
વાત પુરાણી યાદ આવી ને આંખથી આંસુ છલકાયાં,
જ્યાં જ્યાં ટપક્યાં એ આંસુ ત્યાં ફૂલ નવાં સર્જાયાં.

No comments:

Post a Comment

Followers